ગુરુવાર, 27 ફેબ્રુઆરી, 2014

એક જણ ખાસ લાગે છે...!!

ઝૂકે જો જણ દાસ નો  એ  દાસ  લાગે  છે,
ભ્રષ્ટ  આચારી  ગળાની  ફાંસ   લાગે   છે.

આમ તો સઘળા ય મારી  પાસ   લાગે છે,
એ બધાની વચ્ચે એક જણ ખાસ લાગે છે.

વેદના  એના   વિરહની   એટલી   ચાલી,
ભોગ છપ્પન  છે, છતાંયે  ઘાસ  લાગે  છે.

જે વસાવ્યા હોય દિલમાં,આગમન  એનું;
જાણે, વનરાવનમાં જામ્યો રાસ લાગે  છે.

પાનખરને   આંતરી   બેઠો   વસંતોત્સવ,
પ્રેમની  મૌસમ  તો  બારેમાસ  લાગે  છે.

-અશોક વાવડીયા "રોચક"

મંગળવાર, 4 ફેબ્રુઆરી, 2014

ગઝલ ક્યાં છે....!!!

ચરણ ક્યાં છે,સફર ક્યાં છે,મજલ ક્યાં છે,
મને, મારા  જ   હોવાની  ખબર  ક્યાં  છે.

સમય  આવ્યે પરત  ફરવું  જ પડશે,લ્યો-
તપાસી એ  લઉં,  મારી   કબર   ક્યાં  છે.

કહો તો ! છંદ ક્યો છે ? કાફિયા  ક્યા  છે ?
મને  લાગે  ગતકડું, આ ગઝલ  ક્યાં  છે.

નથી પ્હાડો,વનો પંખીનો  કલરવ  પણ,
અહીં ખળખળ વહેતા એ ઝરણ  ક્યાં  છે ?

તરસ્યાને  ઉદક   ભૂખ્યાને  ભોજન,  જો-
કરો  તો  કામ  સેવાનું,  ફરજ   ક્યાં   છે.

દુ:ખોની  સાથમાં   થોડી   સુખી   ક્ષણો,
જો દેવી હોય, તો  દેજે,  ગરજ  ક્યાં  છે.

-અશોક વાવડીયા "રોચક"

અજરોઅમર...!!!

જીવન અવધ તું પણ નથી, હું પણ નથી,
ઇશ્વર ઉપર તું  પણ  નથી, હું  પણ  નથી.

જાવું   જ   પડશે    એક'દિ    છોડી  ધરા,
અજરોઅમર તું પણ નથી, હું  પણ નથી.

સળગી   રહ્યું   છે   ભીતરે   કાયમ,  છતાં,
ઉઠતી અગન તું પણ નથી, હું પણ  નથી.

કલ્યાણ   સૌનું   ધ્યેયને    વળગી   શકે,
એવું ઝરણ તું પણ  નથી,  હું  પણ  નથી.

વનવાસ   સ્વીકાર્યો   અયોધ્યામાં   રહી,
એવો ભરત તું પણ  નથી, હું  પણ  નથી.

-અશોક વાવડીયા "રોચક"

મળશે નહીં ગોટાળો...!!!

કોઈ કે'શે કાન, કોઈ કાનજી રૂપાળો,
જા, અમે કે'શું યશોદાનો કનૈયો કાળો.

વાણીને મનની સરસ એક ચાળણીએ ચાળો,
આ જ રીતે જીભને સીધી સડક પર વાળો.

પાપપુણ્યોનો તું આજે મેળવી લે તાળો,
આખરી શ્વાસે પછી મળશે નહીં ગોટાળો.

લાગણીઓને અકળ ઊંડાણમાંથી કાઢી,
નિત્ય,વારંવાર, દિલના ઝીણા ગરણે ગાળો.

શબ્દ નાનકડો ભલેને ! હોય કામણગારો,
વેણ કડવા બોલવા ટાળી શકો તો ટાળો.

શેરના દ્વારો ઉઘાડીને ગઝલ સમજાવો,
શાને "રોચક" આમ ખોટા જીવ સૌના બાળો.

-અશોક વાવડીયા "રોચક"

ચલણ ધોળા થયા...!!!

ધર્મોના નામે,જ્યારે જ્યાં ફાળા  થયા,
માનવ મહેરામણના ત્યાં  ટોળા થયા.

સમજી કે સમજાવી ના શકવાથી,અહીં,
બે  કોમમાં,  કોમી  અટકચાળા  થયા.

પુષ્કળ  કમાણી   કોલસાની  ખાણમાં,
કરવા ગયા ને હાથ પણ કાળા  થયા.

વાયા, વિદેશી  બેંક  જઈ  પાછા  ફરી,
કાળા  ચલણ  માર્કેટમાં ધોળા  થયા.

-અશોક વાવડીયા "રોચક"

વામન વિચારી...!!!

એક  ઘા  ને  બે  કટકા  થઈ  પડતા  ગયા,
વામન   વિચારી  જે   હતા  મરતા   ગયા.

સામે   વિરોધીઓ   બની   આવ્યા   ઘણાં,
આડાઅવળ   રસ્તા  નવા  જડતા   ગયા.

વિશ્વાસે,  શ્વાસે   જિંદગી   આગળ   વધી,
રસ્તા  બધા  મંજીલ  સુધી  મળતા  ગયા.

મળશે    કદરદાનો   અહીં   થોડા    ઘણાં,
બસ એજ આશયથી ગઝલ લખતા ગયા.

-અશોક વાવડીયા "રોચક"