રવિવાર, 28 એપ્રિલ, 2013

ક્યાં જીવાયું છે...!!!

ભીંતરે     કેટલું     દટાયું     છે ?
અંતરે     જેટલું     સમાયું    છે.

જાનકી   ને   બચાવવામાં,  જે,
મોતને    ભેટયું,    જટાયું    છે.

જંગ જીતી  પરત  ફર્યા   ત્યારે,
રોશનીથી   અવધ   નહાયું  છે.

પાપનો  ભાર  જ્યાં  વધારે  છે,
કાનુડો,  નામ   ત્યાં  છવાયું  છે.

જીવ   છે   કીમતી,   ધનીકોનો,
આમ માનવ ને ક્યાં જીવાયું છે.

અર્થ ફરતાં  ફર્યો  છે  પડછાયો,
ધ્રુસકે     ધ્રુસકે      રડાયું     છે.

ભેખડે    ભેરવાઇ   જે   શીખ્યા,
કાગળે    તેટલું     લખાયું   છે.

~અશોક વાવડીયા,《રોચક》♡

# છંદ=ષટ્કલ વિષમ ૧૭
ગાલગા ગાલગાલ ગાગાગા

સોમવાર, 22 એપ્રિલ, 2013

ફરવું હતું કારણ વગર...!!!

પ્રેમમાં પડવું  હતું  કારણ  વગર,
ભીતરે ભળવું  હતું  કારણ  વગર.

અડચણો છોડી,દિવારો પાર જઇ,
આપ ને મળવું હતું કારણ વગર.

તાગ, પાણીનો, ભલે ના હાથમાં, 
સાગરે, તરવું  હતું  કારણ  વગર.

થૈ ઉતાવળ  પાનખરને પામવા,
પાન થઇ ખરવું હતું કારણ વગર.

ઘૂંટ "રોચક" નાં ભરી પ્રેમો તણા,
મસ્ત થઇ ફરવું હતું કારણ વગર.

-અશોક વાવડીયા,《રોચક》♡

#છંદ=રમેલ ૧૯
ગાલગાગા ગાલગાગા ગાલગા

શુક્રવાર, 19 એપ્રિલ, 2013

કોઈને કે'તા નહીં...!!!

આપણે  મળ્યા નું  કારણ કોઈને  કે'તા  નહીં,
છેક  ભીતરનું  છે  તારણ  કોઈને  કે'તા  નહીં.

પૂછશે અઢળક સવાલો,આપણા જીવન વિશે,
મૌન મુખથી હોય ધારણ  કોઈને  કે'તા  નહીં.

રૂબરૂની આપણી  વાતો  ને, અંગત  રાખવા,
લાગશે થોડું  એ  ભારણ  કોઈને  કે'તા  નહીં.

એટલા માટે મને પણ મોતનો ડર ના  રહ્યો,
તેમનું પણ શક્ય મારણ કોઈને  કે'તા  નહીં.

હા,કહેવી એક "રોચક", ખાનગી એ વાત  છે,
હર દિશાએ રાખ બારણ  કોઈને  કે'તો  નહીં.

-અશોક વાવડીયા,《રોચક》♥

ચાહવા જેવી હતી ...!!!

વાત  એની   માણવા   જેવી   હતી,
એજ    વાતે   ચાહવા   જેવી   હતી.

પ્રેમ   શબ્દે   નીતરી   છે   લાગણી,
લાગણી  એ   જાણવા   જેવી   હતી.

દિલ મહીં જલ ઘૂઘવે  ચાહત  તણાં,
તળ   છલાંગો   મારવા  જેવી  હતી.

હું-તું,  સંગે   ચાંદની   આ  રાત  છે,
રાત   આખી   નાહવા   જેવી   હતી.

સાથ  તારો,  ને   વસંતી   છે  ડગર,
એ  ડગર   તો  માપવા  જેવી  હતી.

લાગણી  વર્ષા   થી  ભીની  ચાહતો,
છેક    ઊડી    ખાપવા   જેવી   હતી.

તુજ કલમ"રોચક"બની છે,જે ગઝલ,
દિલ  મહીં  તે  છાપવા  જેવી   હતી.

-અશોક વાવડીયા,《રોચક》♡

# છંદ=રમેલ ૧૯
ગાલગાગા ગાલગાગા ગાલગા

તરી પણ જવાના...!!!

પ્રથાઓ  પ્રમાણે  મરી  પણ  જવાના.
જુદું, નામ  રોશન  કરી  પણ  જવાના.

ભલે  આવતું  તે'દિ  જોયું  જશે  પણ,
અમે મોતથી ક્યાં ડરી  પણ  જવાના ?

જરા   પાનખર   આવતાં, પીપળાના,
બધા,પાન સાથે  ખરી  પણ  જવાના.

છે   સંબંધ  વરસો  પુરાણા,  તણખલે,
એ સાગર,સલામત,તરી પણ જવાના.

છો અથડાય"રોચક" સતત એ કિનારે,
વળી તે જ પાછા  ફરી  પણ  જવાના.

-અશોક વાવડીયા,《રોચક》♡

# છંદ=મુત્કારિબ ૨૦
લગાગા લગાગા લગાગા લગાગા

ભણતર કરો...!!!

શબ્દો  થી  શબ્દોનું   તમે  ચણતર  કરો,
એવી  જ   રીતેથી  ગઝલ  ઘડતર  કરો.

છંદો,   રદ્દીફો,   કાફિયા    ને     પ્રાસથી,
સુંદર   મજાનું   ટોટલી    જડતર    કરો.

લખતા ગઝલ જ્યારે તમે નિષ્ફળ  જશો,
જાગો,  પ્રયાસો   કાયમી  નવતર   કરો.

એવી વિકટ પરિસ્થિતિઓ પણ આવશે,
જે પણ નહીં  સમજાય, તે  પડતર  કરો.

છે અટપટી"રોચક"છતા,ગમતી  ગઝલ,
ને સમજવા થોડું, સતત  ભણતર   કરો.

-અશોક વાવડીયા,《રોચક》♡

# છંદ=રજઝ ૨૧
ગાગાલગા ગાગાલગા ગાગાલગા

સોમવાર, 15 એપ્રિલ, 2013

બટકી જાશે...!!!

સંધ્યા ટાણે,રવિ ક્ષિતિજે  છટકી જાશે,
ચંદ્ર  છે  નાજુક, જાળવ,અટકી  જાશે.

શમણાં  સુંદર  લાગે, તારી  યાદોના,
રાત્રી  લાગે છે   છાની  ભટકી  જાશે.

નંબર આપી દે સઘળા શમણાંઓને,
કોઈ  શમણું   ડાળેથી   બટકી  જાશે.

ક્ષણની  દૂરી, સાલોની  લાગે  ત્યારે,
આંખોમાં કણની માફક  ખટકી  જાશે.

"રોચક"જગ જીતીને આવીએ જ્યારે,
અંગત, આવીને ઉલટા  પટકી જાશે.

-અશોક વાવડીયા,《રોચક》♡

# છંદ=અષ્ટકલ રર
ગાગાગાગા ગાગાગાગા ગાગાગા

પ્રથમ...!!!

આપતો  તું પ્રથમ,
માણતો  હું  પ્રથમ.

મુજ વિચારો  સદા,
જાણતો  તું  પ્રથમ.

આશિષો હર વક્ત,
પામતો  હું  પ્રથમ.

ડૂબતી      નાવને,
તારતો  તું  પ્રથમ.

તોય   મજધારમાં,
નાખતો  હું  પ્રથમ.

કાર્ય  મુજ  હીતના,
ધારતો   તું  પ્રથમ.

એજ "રોચક" પથે,
ચાલતો  હું  પ્રથમ.

-અશોક વાવડીયા,《રોચક》♡

# છંદ=મુત્દારિક  ૧૦
ગાલગા ગાલગા

બુધવાર, 3 એપ્રિલ, 2013

ગઝલ ક્યાં કહું છું કે "હા" હોવી જોઇએ !!!

મરીઝ સાહેબની ગઝલથી પ્રભાવિત મારી નાની ગઝલ...!!!

ક્યાં કહું  છું  કે "હા" હોવી જોઇએ,
ના ભલે,મીઠી "ના" હોવી જોઇએ.

પામવાની કોઇ પણ મુજ લાલસા,
અંતમાં  પૂરી "થા"  હોવી  જોઇએ.

એકલા  તો  આકરી   લાગે  સફર,
સંગ મારી પણ"ભા" હોવી જોઇએ.

પાપ  કરનારા   બધાને   આપશે,
જે સજાઓ,પણ"ખા"હોવી જોઇએ.

પાનખર સંગાથ"રોચક" આપણી,
જિંદગીને તો "જા" હોવી  જોઇએ,

-અશોક વાવડીયા,《રોચક》♡

# થા=થવી
# ભા=સંસ્કૃતિ
# ખા=ભારી, આકરી
# જા=જવું,

# છંદ રમલ ૧૯
ગાલગાગા ગાલગાગા ગાલગા

ગઝલ એકાંતી મિલન...!!!

એકાંતી મિલન...!!!

સાગર   કિનારાની  જગા મળે,  
એથી   વધારે   શું  મજા  મળે.

હું તું ને સંધ્યા સંગ  એક  પળ,
એકાંતની  ગમતી   રજા  મળે.

ને ચાહવું  સીધી  એ  રીત  થી,
જો, કોઇ  તો  એવી  કલા મળે.

છે લાલસા તુજ  પામવા  સદા,
હર પળ મને,છો ને વ્યથા મળે.

ચાહત રહી"રોચક",ભલે  ઘણી,
પણ,તુજ મિલન ની સજા મળે.

-અશોક વાવડીયા,《રોચક》♡  

# છંદ=રજઝ  ૧૭
ગાગાલગા ગાગાલગા લગા

શનિવાર, 30 માર્ચ, 2013

કોણ માનશે...???


મારું  ય  માનપાન   હતું,  કોણ  માનશે ?
એથી ય વધુ  ગુમાન  હતું, કોણ  માનશે ?

હાઈકુ,ગીત,છંદ, ગઝલ, કાવ્ય  ને  ભુલી,
એની ઉપર જ  ધ્યાન  હતું, કોણ  માનશે ?

ગાગાલ ગાલગાલ લગા ગાલ ગાલગા,
હા એ, સરસ તો ગાન  હતું, કોણ  માનશે ?

હું તો હજી ય શોધુ છું સાગર જુઓ, દ્વિધા,
તટ પર જ,આ રુવાન  હતું, કોણ  માનશે ?

"રોચક" હશે ગુમાન તને કીર્તિ, સિધ્ધિ નું,
ખુદ પર મને ય માન  હતું, કોણ  માનશે ?

-અશોક વાવડીયા,《રોચક》♥

#છંદ=ષટ્કલ ૨૨ વિષમ
ગાગાલ ગાલગાલ લગા ગાલ ગાલગા

ગુરુવાર, 28 માર્ચ, 2013

ગઝલ ગગનને ઓઢવું મારે...!!!

ગગનને ઓઢવું  મારે,
ધરા  એ પોઢવું  મારે.

મરણનું જે નવું કારણ,
એ શમણે ખોજવું મારે.

ભલે હો અંત જીવનનું,
છતા પણ મોજવું મારે.

ૐ, શ્રી સત્કાર કરવાને,
શિવાલય શોધવું મારે.

કરમને પામવા"રોચક",
સતત છે  દોડવું  મારે.

-અશોક વાવડીયા,《રોચક》♥

# છંદ=હજઝ ૧૪
લગાગાગા લગાગાગા

શનિવાર, 23 માર્ચ, 2013

ગઝલ મોત સત્ય છે...!!!

મોત સત્ય છે...!!!

ચાલતી  તારી  સફરની  વાત  કર,
તું સતત કાં એ મરણની વાત કર ?

મોત પર તો વાદ  થાશે  આપણા,
જિંદગી છે  તો  ધરમની  વાત કર.

આવશે તે તો  જવાના  એક  દિન,
જે તું પામ્યો એ કરમની  વાત કર.

પાનખર એ સત્ય જીવન  અંત છે,
આ સજેલી  તુજ ડગરની વાત કર.

શ્વાસ ખૂટ્યા ને  નજર  જાંખી  હવે,
આજ"રોચક",તું ગમનની વાત કર.

-અશોક વાવડીયા,《રોચક》♥

ગાલગાગા ગાલગાગા ગાલગા

શુક્રવાર, 22 માર્ચ, 2013

ગઝલ હેતોના મારા રાખું...!!!

હેતોના મારા રાખું...!!!

આંખોના  જળ,હું  તો  ખારા  રાખું,
થોડા   થોડા  પણ  નોધારા   રાખું.

ખાલી  મુખડાની   શોભા,ના ચાલે,
આ  દલડે   હેતોના   મારા    રાખું.

તમને ફાવે  તો  આવો  મારે  ત્યાં,
આ  સુંદર   રસ્તે   જળધારા   રાખું.

મીઠી  નિંદરમાં અડચણ  ના આવે,
સપનાને  પણ  હું   પરબારા  રાખું.

શું જીવનને સમજાવી શકુ,"રોચક"?
મારા જ  વિચારો,  લે  બારા   રાખું.

-અશોક વાવડીયા,《રોચક》♥

ગાગાગાગા ગાગાગાગા ગાગા

ગઝલ વસંત...!!!

વસંત...!!!

થઈ વસંતી વાત  લાગે,
પાથરી નવ ભાત  લાગે.

કેસુડા  એ, જો  કરી   છે,
આજ ભેગી નાત  લાગે.

પાન  લીલું  એક  ફુટશે,
પાનખર પર ઘાત લાગે.

પાંગરી આ પ્રિત  વસંતે,
પુષ્પની એ  જાત  લાગે.

એજ "રોચક"આવશે જો,
ગઈ એ કાળી રાત લાગે.

-અશોક વાવડીયા,《રોચક》♥

ગાલગાગા ગાલગાગા

ગઝલ પ્રણય...!!!

પ્રણય...!!!

ઉછળતા ઉમંગો  મળી જાય,
કે ફૂલો ના રંગો  મળી  જાય.

કરી  વાત   દિલને  અમે,જો,
નયનનાં તરંગો  મળી  જાય.

કળી   ખીલતા,  પુષ્પ   સંગે,
મિલનનો મલંગો મળી જાય.

હવે ખેલવા પિયુ  મિલનના,
પ્રણયના ઉછંગો  મળી જાય.

રદિફ,  કાફિયા,   છંદ    સંગે,
ગઝલનાં સર્વાંગો મળી જાય.

-અશોક વાવડીયા,《રોચક》♥

લગાગા લગાગા લગાગા

#મલંગો=એક પ્રકારનું તંતુવાદ્ય

સોમવાર, 18 માર્ચ, 2013

ગઝલ ક્યારેક જીતતી ને વળી હારતી રહે !!!

જિંદગી...!!!

ક્યારેક   જીતતી   ને   વળી   હારતી   રહે,
સામે છે મોત તો  ય  સતત  ચાલતી  રહે.

દિલમાં ખુશી રહે,કે  ભલે  દુ:ખ  રહે, છતા,
ઈચ્છું,  હરેક  ક્ષણ, એ  મને   ફાવતી  રહે.

છેલ્લો સમય છે મોત તળે  જિંદગી  હવે,
જીવન ની શોધમાં તો ય તું  ભાગતી  રહે.

અસ્પષ્ટતા, ન  જોઈ  મને;  અંતકાળની,
કે  જિંદગી  એ  અંત  સુધી   ઘૂટતી   રહે.

"રોચક"ઉપરછલીં ય  ભલે રોજ  આવતી,
પણ મોતની મને જ  ખબર  આવતી  રહે,

-અશોક વાવડીયા,《રોચક》♥

ગાગાલગા લગા લલ ગાગાલગા લગા

ગઝલ મને ખુદને જ મળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે !!!


મને ખુદને જ મળવામાં ઘણી  તકલીફ  પ્હોંચી  છે.
આ આત્માને ય કળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

સરળ લાગે  ભલે, તમને  એ  વાતો,આસમાને થી,
આ સૂરજને ય ઢળવામાં ઘણી તકલીફ  પ્હોંચી  છે.

પહાડો, ઢાળ,  ઢોળાવો,  વળાંકો  એ   સતત  રોજે,
નદીને પણ જો વળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે,

દિવસ પૂરો થયો તો શાંતિ થઈ દિલમાં અને મુજને,
આ પડછાયા થી લડવામાં ઘણી તકલીફ પ્હોંચી છે

તમે  આવ્યા  ને   છંદો,  કાફિયા  કંઠે   થયા  બાકી,
ગઝલ લય બધ્ધ કરવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.

-અશોક વાવડીયા,《રોચક》♥

લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા

બુધવાર, 13 માર્ચ, 2013

ગઝલ ગજબની રમત આદરી આ વસન્તે !!!

ગજબની રમત આદરી  આ વસન્તે,
અલગથી ડગર ચાતરી  આ વસન્તે.

રમતમાં રમતમાં શરદ  ભાન  ભૂલી,
તરત પાનખર  આંતરી  આ  વસન્તે.

હવે    પાંદડે    પાંદડે   છે   જવાની,
જો,ગુલની ઘટા પાથરી  આ  વસન્તે.

સજી  આમ  જામા  તણખલું  પધારે,
કરી   છે   મને  બાંવરી  આ  વસન્તે.

ભર્યુ  કોકિલા ગાન દિલ માં  જ મીઠું,
ભલે  હો, પ્રિયે  સાંવરી  આ  વસન્તે.

-અશોક વાવડીયા,《રોચક》♥

લગાગા લગાગા લગાગા લગાગા

મંગળવાર, 12 માર્ચ, 2013

ગઝલ મારણ વગરના માણસો !!!

મારણ વગરના માણસો,
તારણ વગરના માણસો.

રંગો બદલતા અવસરે,
કારણ વગરના માણસો.

ખુદનું વજન બીજા ઉપર,
ભારણ વગરના માણસો.

છટકે કહ્યા કીધા વગર,
બારણ વગરના માણસો.

"રોચક" કહે છેટા રહો,
ધારણ વગરના માણસો.

-અશોક વાવડીયા,《રોચક》♥

#મારણ= ઉપાય; ઇલાજ
#તારણ=નિષ્કર્ષ
#કારણ=કારણ
#ભારણ=વજન
#બારણ=બારણું
#ધારણ=ધારણા;કલ્પના

ગાગાલગા ગાગાલગા

સોમવાર, 11 માર્ચ, 2013

ગઝલ આવતા આવતા કોઈ અટકી ગયું !!!

આવતા  આવતા  કોઈ  અટકી  ગયું,
એક સપનું   બની  કોઈ  ખટકી  ગયું.

પોળ,નાકું  ને સુમસામ  ઘર  ભાસતું,
આ નગર આખુ લાગે  છે ભટકી ગયું.

પાનખર   આવતા  વૃક્ષની  ડાળથી,
પાન પીળું  બની  આજ બટકી  ગયું.

દશ દિશાઓ મને એક  સમ ભાસતી,
કોઈ  મજધાર  મેલી  ને  છટકી  ગયું.

આ ઘટાટોપ  સૌ  વાદળોની  વચ્ચે,
આજ તો વીજળી  જેમ  ચમકી  ગયું.

-અશોક વાવડીયા,《રોચક》♥

ગાલગા ગાલગા ગાલગા ગાલગા

ગઝલ તુજ યાદમાં એ હું મારો નથી રહ્યો !!!

તુજ  યાદમાં એ  હું  મારો  નથી  રહ્યો,
ને  તું  કહે  છે,  હું   તારો   નથી  રહ્યો.
 
મીઠી નદી પણ દરિયામાં સમાઈ ગઈ,
જો, બેસવા  કોઈ  કિનારો  નથી  રહ્યો.

મસલત કરી આંખો એ, આંસુ   સંગ,કે,
દરિયો પહેલા સમ  ખારો  નથી  રહ્યો. 

આ ચાંદ,સૂરજ ને  તારા  ની  જેમ  હું,
આખા જગતમાં  નોઘારો  નથી  રહ્યો.

આ વાત  વાતે,  વિખવાદો  કેમ  કરે,
"રોચક" પહેલા સમ સારો નથી રહ્યો.

.....અશોક વાવડીયા,《રોચક》♥

ગાગાલગા ગાગાગાગા લગાલગા

શનિવાર, 9 માર્ચ, 2013

ગઝલ એક બે અક્ષરો માં પૂરી શાયરી સમજી .લીધી !!!

એક બે  અક્ષરો  માં  પૂરી  શાયરી  સમજી  લીધી,
વિસ્તરેલી  સૌ  તરફ મેં  લાગણી   સમજી  લીધી.

આપણા   સંબંધના   ઇતિહાસની    ટૂંકી   સમજ,
જિંદગીને   જીવવાની   ફિલસૂફી   સમજી   લીધી.

આ  બધા  દર્દો   એ,  ઘેર્યો   છે   મને,  જ્યારથી,
ત્યારથી યાત્રા  અમે  તો  આખરી  સમજી  લીધી.

થઈ   ગયું   એકાંત    પૂરું,  અંતકાળે   સંગ   સૌ,
બસ  પછીથી   વેદનાઓ   પારકી  સમજી  લીધી.

કોઈ ઈચ્છાનું હવે, "રોચક" ને  વળગણ  ક્યાં  રહ્યું,
જ્યારથી ઈચ્છા ઓ સઘળી આપણી સમજી લીધી.

.....અશોક વાવડીયા,《રોચક》♥

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

ગુરુવાર, 7 માર્ચ, 2013

ગઝલ બને છે,આ શબ્દો...!!!

વસંતી ફાગણ બને છે,આ શબ્દો,
પ્રણયનું તારણ બને છે, આ શબ્દો.

જુઓ ઘેલી પ્રીત કરવાને કાજે,
નયનનું કામણ બને છે,આ શબ્દો.

મળે સાજન સાંકડી શેરીએ,તો,
મિલનનું કારણ બને છે,આ શબ્દો.

પ્રણય કાજે,આ ભટકતી જોગણનું,
વિયોગી ભારણ બને છે,આ શબ્દો.

તડપતું દિલ,પિયુ મિલન કાજે,"રોચક",
મલકતો સાજણ બને છે,આશબ્દો.

.......અશોક વાવડીયા,"રોચક"

લગાગાગા ગાલગાગા ગાગાગા

મુક્તક જિંદગીની શોધમાં તો ભાગવાનું હોય છે !!!

જિંદગીની શોધમાં તો  ભાગવાનું  હોય છે,
માનવીએ આમ જીવન માણવાનું હોય છે,
કાર્યકાળે  એક   સાંધે   તેર  તૂટે  તે  છતા,
તેમણે જીવન ડગર પર ચાલવાનું હોય છે.

-અશોક વાવડીયા,《રોચક》♥

મુક્તક આ શીખરથી ય ઢળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે !!!

આ શીખરથી ય ઢળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે,
નદીને પણ જો વળવામાં ઘણી તકલીફ પ્હોંચી  છે,
પહાડો,વન ને કુદરતનો  સુખદ  સહવાસ   છોડીને,
આ દરિયામાં ય ભળવામાં ઘણી તકલીફ પ્હોચી છે.

-અશોક વાવડીયા,《રોચક》♥

ત્રીપદી...!!!

ત્રીપદી...!!!

જીવન આપણે માણવાનું હોય છે,
બીજામાં દખલ ના કરીને આપણે,
ખુદનું ભઈ ખુદે તાણવાનું  હોય છે.

-અશોક વાવડીયા,《રોચક》♥

ત્રીપદી...!!!

ત્રીપદી,,,,,!!!!!

તપતા તાપે  યાદોની  છાયામાં  બેસું,
મનડાની  પતવારે,દિલડાને  સથવારે,
શમણાં જોવા મુજની આ કાયામાં બેસું.

-અશોક વાવડીયા,"રોચક"

ત્રીપદી...!!!

ત્રીપદી...!!!

એક સરનામું "દિકરી",વસે રોમરોમ માં,
પારકા  ને  પોતાના કરે  તે  ઘડીક  માં,
ઘુઘવતો સાગર જાણે,વહે અંગઅંગ માં.

-અશોક વાવડીયા,《રોચક》♥

મુક્તક આ શીખરથી ય ઢળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે !!!

આ શીખરથી ય ઢળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે,
નદીને પણ જો વળવામાં ઘણી તકલીફ પ્હોંચી  છે,
પહાડો,વન ને કુદરતનો  સુખદ  સહવાસ   છોડીને,
આ દરિયામાં ય ભળવામાં ઘણી તકલીફ પ્હોચી છે.

-અશોક વાવડીયા,《રોચક》♥

બુધવાર, 6 માર્ચ, 2013

ગઝલ કોઈના દિલમાં વસીને રાચવાનું હોય છે !!!

કોઈના દિલમાં વસીને રાચવાનું હોય છે,
આપણે તો દોસ્ત આમ જ જીવવાનું હોય છે.

પ્રેમ મારગ પર તો અવરોધો ય આડા આવશે,   
આપણું તો લક્ષ જ તેને ચાહવાનું હોય છે."

કેટલા ખેલો ને જીત્યા કેટલા હાર્યા ના ગણ,
ખેલ હારી,કોઈનું મન જીતવાનું હોય છે.

શંખ,ઝાલર,ફૂલડા ને ચોતરફ છે પ્રાર્થના,
મંદિરે જઈ આપણે તો પૂંજવાનું હોય છે.

આકરામાં આકરો આ પ્રેમ મારગ છે છતા
આપણે તો એજ માર્ગે ચાલવાનું હોય છે.

.....અશોક વાવડીયા,"રોચક"

શુક્રવાર, 1 માર્ચ, 2013

ગઝલ આ પડછાયાને અળગો રાખતા ભઈ,વાર પણ લાગે !!!

આ પડછાયાને અળગો રાખતા ભઈ,વાર પણ લાગે,
આ નાજુક દિલને કડવા શબ્દનો ભઈ,ભાર પણ લાગે.

ચડીએ જો યુધ્ધે તો આપણે કાયમ જ જીતીએ,
છતા ક્યારેક મોટી હાથમાં ભઈ,હાર પણ લાગે.

ઉછાળા મારતા સાગરને સંગાથે કિનારાને
લહેરોની થપાટોનો સદા ભઈ, માર પણ લાગે

અમાવસની એ કાળી રાતમાં ક્યારેક આકાશે,
ચમકતી વીજળી તલવારની ભઈ,ઘાર પણ લાગે.

અચળ સંગાથ તેનો બેસતા ઉઠતાને જીવનભર,
આ પડછાયો મને મજબૂત ભઈ,આધાર પણ લાગે.

-અશોક વાવડીયા,《રોચક》♥

બુધવાર, 27 ફેબ્રુઆરી, 2013

ગઝલ કોઈ રડતા મળે છે !!!

કોઈ રડતા મળે છે,
કોઈ હસતા મળે છે.

આ પહાડો ય થોડા,
દૂર ખસતા મળે છે.

તારલાઓ ગગનથી,
રોજ ખરતા મળે છે.

મેધ થઈ જળ નદીમાં,
ખાસ ભળતા મળે છે.

લાગણીના એ પૂરો,
જેમ ખળતા મળે છે.

કેમ"રોચક" જવાબો,
આમ છળતા મળે છે ?

-અશોક વાવડીયા,《રોચક》♥

ગઝલ નજરોમાં ભમી હતી !!!

નજરોમાં ભમી હતી,
દિલને તે ગમી હતી.

વાસંતી ટહૂકતી,
કોયલ સમ રમી હતી.

યાદોની ભમર બની,
મુજમાં તે શમી હતી.

તેની સંગ યાદની,
વણજારો ખમી હતી.

દુનિયાની વચ્ચે હતો,
તેની એક કમી હતી.

"રોચક" એ મળ્યા મને,
આંખોમાં નમી હતી.

-અશોક વાવડીયા,《રોચક》♥

ગઝલ તુ ઠાલી વાતો કરજે !!!

અમે યાદે તને  અડશું, તુ ઠાલી  વાતો  કરજે,
પરોઢી એ પળે  મળશું, તુ ઠાલી  વાતો  કરજે.

વિચારોની  નવી  સીડી  બનાવી, શબ્દો  સંગે,
ગગનથી પણ ઉપર ચડશું,તુ ઠાલી વાતો કરજે.

ભલે ટીપું  છતા  સૌ  સંગ, આકાશેથી  સીધા,
સમંદર જઈ ને ઓગળશું,તુ ઠાલી વાતો કરજે.

પહાડો સમ વિચારો છે અમારા,આપ્યા વચને,
સદાકાળે ય ના  ડગશું, તુ  ઠાલી  વાતો  કરજે.

વસંતી  વાયુ  થઈ  વાશું  અમે, હોળીને  રંગે,
ધરા પર જો અમે રમશું,તુ ઠાલી  વાતો  કરજે.

-અશોક વાવડીયા,《રોચક》♥

મંગળવાર, 26 ફેબ્રુઆરી, 2013

#Morning Mantra...

#Morning Mantra...

સકારાત્મક
વિચારો,નિષ્ફળતા
કાયમી નથી.

-અશોક વાવડીયા,《રોચક》♥

શુક્રવાર, 15 ફેબ્રુઆરી, 2013

ગઝલ ઈશ્વર સામે નમતો માણસ !!!

મારી નાની રચના.
-સ્વ મનોજ ખંડેરિયાજીની રચનાથી પ્રભાવિત..

બે નંબરનું જમતો માણસ,
તો પણ સૌને ગમતો માણસ.

મોટર,ગાડી,ધોડા સાથે,
દુનિયા આખી ભમતો માણસ.

ધરતી પેટાળે જળ ખેંચી,
કૃદરત સાથે રમતો માણસ.

નાની મોટી વિપદાઓને,
ખુદની મેળે ખમતો માણસ.

વિપતી આવે મોટી"રોચક",
ઈશ્વર  સામે નમતો માણસ.

-અશોક વાવડીયા,《રોચક》♥

મંગળવાર, 12 ફેબ્રુઆરી, 2013

સજનીની યાદો આવીને ભેટી પડે છે !!!

સૂરજ ઢળતા ઘરની વાટો એવી છેટી પડે છે,
જાણે,સજનીની યાદો  આવીને  ભેટી પડે છે.

-અશોક વાવડીયા,《રોચક》♥

સોમવાર, 11 ફેબ્રુઆરી, 2013

મુક્તક આંખે ફરકતો રહું રોજ એવોને એવો !!!

આંખે  ફરકતો રહું રોજ  એવોને એવો,
મનમાં મરકતો રહું રોજ એવોને એવો,
ભૂગોળથી દૂર  થાશું ભલે  કાયમ માટે,
શમણે મલકતો રહું રોજ  એવોને એવો.

-અશોક વાવડીયા,《રોચક》♥

ગઝલ જીતવા માટે રોજે દોડવું પડશે !!!

જીતવા માટે   રોજે   દોડવું  પડશે,
હારનું કારણ જાતે   ખોજવું  પડશે.

એ વિચારોના પૂલો બાંધવા  માટે,
શબ્દથી શબ્દોને પણ જોડવું પડશે.

કાચબોને સસલાની દોડ  યોજાણી,
આજ કારણ જીતોમાં મોડવું  પડશે.

કોઈ પણ જીતે કે  હારે  છતા   તેને,
એક બીજાના મનને  તોડવું  પડશે.

છો પતંગોના પેસો  લાગતા"રોચક",
કોઈ પણ ને તો  ઢીલું  છોડવું  પડશે.

-અશોક વાવડીયા,《રોચક》♥

મુક્તક આવે તો અજબ થઈ જાય !!!

આવે તો અજબ થઈ  જાય,
એ વાતો  ગજબ થઈ  જાય,
તારાથી  જ  દિન  મારો  છે,
કેશે  તે  મુજબ  થઈ   જાય.

-અશોક વાવડીયા,《રોચક》♥

મનોજ ખંડેરિયાથી પ્રભાવિત ગઝલ..વરસોના વરસ લાગે !!!

-મનોજ ખંડેરિયાની ગઝલથી પ્રભાવિત મારી નાની કોશીસ..

પળોને જોડવા બેસું તો વરસોના વરસ લાગે,
મુખોટો તોડવા બેસું તો વરસોના વરસ લાગે.

તુટેલા આ બધાં આકાર હું હમણા જ દિલમાં જડુ,
અરીસો ફોડવા બેસું તો વરસોના વરસ લાગે.

તુ સમજી જાય તો શબ્દો કહું સઘળા તને મનમાં,
ગગનમાં બોલવા બેસું તો વરસોના વરસ લાગે.

સુતરના તાંતણે જોડાય સઘળા આ નરમ દિલજો,
ધરાએ ખોડવા બેસું તો વરસોના વરસ લાગે.

તને સમજાય તો સમજી જજે આ શાયરી"રોચક",
ગઝલને ખોજવા બેસું તો વરસોના વરસ લાગે.

-અશોક વાવડીયા,《રોચક》

શનિવાર, 9 ફેબ્રુઆરી, 2013

ગઝલ સમજાય તો !!!

જિંદગી તો મર્મ  છે,સમજાય તો,
હા મને પણ ગર્વ છે,સમજાય તો.

સાદગીથી જીવવામાં  છે  મજા,
આજ સાચો કર્મ છે,સમજાય તો.

મૌન છે શબ્દો છતા સહુ સાંભળે,
આ ખરેખર અર્થ છે,સમજાય તો.

ઉત્તરો  એના  જ  પ્રશ્નોમાં  હશે,
એક સીધો તર્ક  છે,સમજાય  તો.

હોય વાણી  સંયમી  સૌને  ગમે,
એજ સાચો ધર્મ છે,સમજાય તો.

-અશોક વાવડીયા,《રોચક》♥

મુક્તક પ્રેમમાં પડનારા તો ઘણા સમજદાર હોય છે !!!

પ્રેમમાં પડનારા તો ઘણા સમજદાર હોય છે,
તેમના માઠા પરિણામથી ખબરદાર  હોય છે,
રોજ તત્પરતા એને  નવું  નવું  કાંઈ  પામવું,
કોઈ અડચણ આવે પ્રેમમાં અરજદાર હોય છે.

-અશોક વાવડીયા,《રોચક》♥

રવિવાર, 3 ફેબ્રુઆરી, 2013

વાસંળીના સુરે હું પણ ભરમાણી હતી !!!

મારી સામે નજર એની  મંડાણી  હતી,
તેની સામે મુગ્ધ થઈ હું ખેંચાણી  હતી,
કેવા મળ્યા મને આજે સુંદર શ્યામ જો,
વાસંળીના સુરે હું પણ  ભરમાણી  હતી.

-અશોક વાવડીયા,《રોચક》♥

હાઈકુ જીવન મૃત્યું !!!

જીવન મૃત્યું
વચ્ચે દોડ લગાવું
તોય ક્યાં પામું.

-અશોક વાવડીયા,《રોચક》♥