રવિવાર, 28 એપ્રિલ, 2013

ક્યાં જીવાયું છે...!!!

ભીંતરે     કેટલું     દટાયું     છે ?
અંતરે     જેટલું     સમાયું    છે.

જાનકી   ને   બચાવવામાં,  જે,
મોતને    ભેટયું,    જટાયું    છે.

જંગ જીતી  પરત  ફર્યા   ત્યારે,
રોશનીથી   અવધ   નહાયું  છે.

પાપનો  ભાર  જ્યાં  વધારે  છે,
કાનુડો,  નામ   ત્યાં  છવાયું  છે.

જીવ   છે   કીમતી,   ધનીકોનો,
આમ માનવ ને ક્યાં જીવાયું છે.

અર્થ ફરતાં  ફર્યો  છે  પડછાયો,
ધ્રુસકે     ધ્રુસકે      રડાયું     છે.

ભેખડે    ભેરવાઇ   જે   શીખ્યા,
કાગળે    તેટલું     લખાયું   છે.

~અશોક વાવડીયા,《રોચક》♡

# છંદ=ષટ્કલ વિષમ ૧૭
ગાલગા ગાલગાલ ગાગાગા

સોમવાર, 22 એપ્રિલ, 2013

ફરવું હતું કારણ વગર...!!!

પ્રેમમાં પડવું  હતું  કારણ  વગર,
ભીતરે ભળવું  હતું  કારણ  વગર.

અડચણો છોડી,દિવારો પાર જઇ,
આપ ને મળવું હતું કારણ વગર.

તાગ, પાણીનો, ભલે ના હાથમાં, 
સાગરે, તરવું  હતું  કારણ  વગર.

થૈ ઉતાવળ  પાનખરને પામવા,
પાન થઇ ખરવું હતું કારણ વગર.

ઘૂંટ "રોચક" નાં ભરી પ્રેમો તણા,
મસ્ત થઇ ફરવું હતું કારણ વગર.

-અશોક વાવડીયા,《રોચક》♡

#છંદ=રમેલ ૧૯
ગાલગાગા ગાલગાગા ગાલગા

શુક્રવાર, 19 એપ્રિલ, 2013

કોઈને કે'તા નહીં...!!!

આપણે  મળ્યા નું  કારણ કોઈને  કે'તા  નહીં,
છેક  ભીતરનું  છે  તારણ  કોઈને  કે'તા  નહીં.

પૂછશે અઢળક સવાલો,આપણા જીવન વિશે,
મૌન મુખથી હોય ધારણ  કોઈને  કે'તા  નહીં.

રૂબરૂની આપણી  વાતો  ને, અંગત  રાખવા,
લાગશે થોડું  એ  ભારણ  કોઈને  કે'તા  નહીં.

એટલા માટે મને પણ મોતનો ડર ના  રહ્યો,
તેમનું પણ શક્ય મારણ કોઈને  કે'તા  નહીં.

હા,કહેવી એક "રોચક", ખાનગી એ વાત  છે,
હર દિશાએ રાખ બારણ  કોઈને  કે'તો  નહીં.

-અશોક વાવડીયા,《રોચક》♥

ચાહવા જેવી હતી ...!!!

વાત  એની   માણવા   જેવી   હતી,
એજ    વાતે   ચાહવા   જેવી   હતી.

પ્રેમ   શબ્દે   નીતરી   છે   લાગણી,
લાગણી  એ   જાણવા   જેવી   હતી.

દિલ મહીં જલ ઘૂઘવે  ચાહત  તણાં,
તળ   છલાંગો   મારવા  જેવી  હતી.

હું-તું,  સંગે   ચાંદની   આ  રાત  છે,
રાત   આખી   નાહવા   જેવી   હતી.

સાથ  તારો,  ને   વસંતી   છે  ડગર,
એ  ડગર   તો  માપવા  જેવી  હતી.

લાગણી  વર્ષા   થી  ભીની  ચાહતો,
છેક    ઊડી    ખાપવા   જેવી   હતી.

તુજ કલમ"રોચક"બની છે,જે ગઝલ,
દિલ  મહીં  તે  છાપવા  જેવી   હતી.

-અશોક વાવડીયા,《રોચક》♡

# છંદ=રમેલ ૧૯
ગાલગાગા ગાલગાગા ગાલગા

તરી પણ જવાના...!!!

પ્રથાઓ  પ્રમાણે  મરી  પણ  જવાના.
જુદું, નામ  રોશન  કરી  પણ  જવાના.

ભલે  આવતું  તે'દિ  જોયું  જશે  પણ,
અમે મોતથી ક્યાં ડરી  પણ  જવાના ?

જરા   પાનખર   આવતાં, પીપળાના,
બધા,પાન સાથે  ખરી  પણ  જવાના.

છે   સંબંધ  વરસો  પુરાણા,  તણખલે,
એ સાગર,સલામત,તરી પણ જવાના.

છો અથડાય"રોચક" સતત એ કિનારે,
વળી તે જ પાછા  ફરી  પણ  જવાના.

-અશોક વાવડીયા,《રોચક》♡

# છંદ=મુત્કારિબ ૨૦
લગાગા લગાગા લગાગા લગાગા

ભણતર કરો...!!!

શબ્દો  થી  શબ્દોનું   તમે  ચણતર  કરો,
એવી  જ   રીતેથી  ગઝલ  ઘડતર  કરો.

છંદો,   રદ્દીફો,   કાફિયા    ને     પ્રાસથી,
સુંદર   મજાનું   ટોટલી    જડતર    કરો.

લખતા ગઝલ જ્યારે તમે નિષ્ફળ  જશો,
જાગો,  પ્રયાસો   કાયમી  નવતર   કરો.

એવી વિકટ પરિસ્થિતિઓ પણ આવશે,
જે પણ નહીં  સમજાય, તે  પડતર  કરો.

છે અટપટી"રોચક"છતા,ગમતી  ગઝલ,
ને સમજવા થોડું, સતત  ભણતર   કરો.

-અશોક વાવડીયા,《રોચક》♡

# છંદ=રજઝ ૨૧
ગાગાલગા ગાગાલગા ગાગાલગા

સોમવાર, 15 એપ્રિલ, 2013

બટકી જાશે...!!!

સંધ્યા ટાણે,રવિ ક્ષિતિજે  છટકી જાશે,
ચંદ્ર  છે  નાજુક, જાળવ,અટકી  જાશે.

શમણાં  સુંદર  લાગે, તારી  યાદોના,
રાત્રી  લાગે છે   છાની  ભટકી  જાશે.

નંબર આપી દે સઘળા શમણાંઓને,
કોઈ  શમણું   ડાળેથી   બટકી  જાશે.

ક્ષણની  દૂરી, સાલોની  લાગે  ત્યારે,
આંખોમાં કણની માફક  ખટકી  જાશે.

"રોચક"જગ જીતીને આવીએ જ્યારે,
અંગત, આવીને ઉલટા  પટકી જાશે.

-અશોક વાવડીયા,《રોચક》♡

# છંદ=અષ્ટકલ રર
ગાગાગાગા ગાગાગાગા ગાગાગા

પ્રથમ...!!!

આપતો  તું પ્રથમ,
માણતો  હું  પ્રથમ.

મુજ વિચારો  સદા,
જાણતો  તું  પ્રથમ.

આશિષો હર વક્ત,
પામતો  હું  પ્રથમ.

ડૂબતી      નાવને,
તારતો  તું  પ્રથમ.

તોય   મજધારમાં,
નાખતો  હું  પ્રથમ.

કાર્ય  મુજ  હીતના,
ધારતો   તું  પ્રથમ.

એજ "રોચક" પથે,
ચાલતો  હું  પ્રથમ.

-અશોક વાવડીયા,《રોચક》♡

# છંદ=મુત્દારિક  ૧૦
ગાલગા ગાલગા

બુધવાર, 3 એપ્રિલ, 2013

ગઝલ ક્યાં કહું છું કે "હા" હોવી જોઇએ !!!

મરીઝ સાહેબની ગઝલથી પ્રભાવિત મારી નાની ગઝલ...!!!

ક્યાં કહું  છું  કે "હા" હોવી જોઇએ,
ના ભલે,મીઠી "ના" હોવી જોઇએ.

પામવાની કોઇ પણ મુજ લાલસા,
અંતમાં  પૂરી "થા"  હોવી  જોઇએ.

એકલા  તો  આકરી   લાગે  સફર,
સંગ મારી પણ"ભા" હોવી જોઇએ.

પાપ  કરનારા   બધાને   આપશે,
જે સજાઓ,પણ"ખા"હોવી જોઇએ.

પાનખર સંગાથ"રોચક" આપણી,
જિંદગીને તો "જા" હોવી  જોઇએ,

-અશોક વાવડીયા,《રોચક》♡

# થા=થવી
# ભા=સંસ્કૃતિ
# ખા=ભારી, આકરી
# જા=જવું,

# છંદ રમલ ૧૯
ગાલગાગા ગાલગાગા ગાલગા

ગઝલ એકાંતી મિલન...!!!

એકાંતી મિલન...!!!

સાગર   કિનારાની  જગા મળે,  
એથી   વધારે   શું  મજા  મળે.

હું તું ને સંધ્યા સંગ  એક  પળ,
એકાંતની  ગમતી   રજા  મળે.

ને ચાહવું  સીધી  એ  રીત  થી,
જો, કોઇ  તો  એવી  કલા મળે.

છે લાલસા તુજ  પામવા  સદા,
હર પળ મને,છો ને વ્યથા મળે.

ચાહત રહી"રોચક",ભલે  ઘણી,
પણ,તુજ મિલન ની સજા મળે.

-અશોક વાવડીયા,《રોચક》♡  

# છંદ=રજઝ  ૧૭
ગાગાલગા ગાગાલગા લગા