મંગળવાર, 4 ફેબ્રુઆરી, 2014

મળશે નહીં ગોટાળો...!!!

કોઈ કે'શે કાન, કોઈ કાનજી રૂપાળો,
જા, અમે કે'શું યશોદાનો કનૈયો કાળો.

વાણીને મનની સરસ એક ચાળણીએ ચાળો,
આ જ રીતે જીભને સીધી સડક પર વાળો.

પાપપુણ્યોનો તું આજે મેળવી લે તાળો,
આખરી શ્વાસે પછી મળશે નહીં ગોટાળો.

લાગણીઓને અકળ ઊંડાણમાંથી કાઢી,
નિત્ય,વારંવાર, દિલના ઝીણા ગરણે ગાળો.

શબ્દ નાનકડો ભલેને ! હોય કામણગારો,
વેણ કડવા બોલવા ટાળી શકો તો ટાળો.

શેરના દ્વારો ઉઘાડીને ગઝલ સમજાવો,
શાને "રોચક" આમ ખોટા જીવ સૌના બાળો.

-અશોક વાવડીયા "રોચક"

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો